અમદાવાદ જિલ્લાની માહિતી

 અમદાવાદ જિલ્લો એ ગુજરાતનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે. 


અમદાવાદ જિલ્લાની રચના :- 
       1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. 
સ્થાન અને સીમા :- 
      અમદાવાદ જિલ્લાની ઉત્તરે મહેસાણા અને ગાંધીનગર જિલ્લો, પૂર્વમાં ખેડા અને આણંદ જિલ્લો, દક્ષિણે ખંભાતનો અખાત તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લો તથા પશ્ચિમે સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. 
અમદાવાદ જીલ્લામાં આવેલ તાલુકાઓ :- 
       અમદાવાદ જીલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. જેમાં 1. અમદાવાદ સિટી, (i) ઘાટલોડીયા, (ii) વેજલપુર, (iii) સાબરમતી, (iv) અસારવા, (v) મણિનગર, (vi) નારોલ, 2. દસક્રોઇ, 3. દેત્રોજ - રામપુરા, 4. માંડલ, 5. વીરમગામ, 6. સાણંદ, 7. બાવળા, 8. ધોળકા, 9. ધંધુકા, 10. ધોલેરા. 
અમદાવાદ જિલ્લાની વિશેષતા :- 
> અમદાવાદ ગુજરાત રાજયનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે. 
> અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું. 
> અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. 
> ગુજરાતનું એક માત્ર હવાઈ મથક અમદાવાદમા આવેલું છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. 
> ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના અમદાવાદમા ઈ.સ. 1861 માં રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ કરી હતી. 
> ભારતની સૌથી મોટી હોસ્પિટલ  'સિવિલ હોસ્પિટલ' અમદાવાદમા આવેલી છે. 
> ઘઉના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. 
> યહુદીઓનું એકમાત્ર તીર્થધામ  'સિનેગોગ' અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં આવેલું છે. 
> ઈ.સ. 1948 માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની અને 4 ઓક્ટોબર , 1965 ના રોજ વિવિધ ભારતીની શરૂઆત થઈ. 20 નવેમ્બર, 1970 થી વિવિધ ભારતી પરથી કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગ શરૂ થયું. 
> અમદાવાદમાં આવેલો  'દરિયાખાનનો ઘૂમ્મટ' ગુજરાતનો સૌથી મોટો ઘૂમ્મટ છે. 
> અમદાવાદ શહેરના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ હતા. 
> ગુજરાતની સૌપ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં ઈ.સ. 1887 માં શરૂ થઈ હતી. 
> ગુજરાતનું સૌપ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું. 
> અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. 
> અમદાવાદ શહેરને કુલ બાર દરવાજા છે. 
નદીઓ :- 
     સાબરમતી, ભોગાવો, ભાદર, મેશ્વો અને ખારી નદીઓ આવેલી છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે ચંદ્રભાગા નદી આવેલી છે. 
સરોવર :- 
      નળ સરોવર પક્ષી અભ્યારણ્ય અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું છે.  
જોવાલાયક સ્થળો :- 
 અમદાવાદ :- 
      સાબરમતી નદીના કિનારે ખાંટ રાજા આશાભીલનું ગામ આશાવલ કર્ણદેવ સોલંકીએ અહી મહત્વનુ નગર વિસ્તાર્યું, જે  'કર્ણાવતી' કહેવાયું. 14 મી સદીમાં ગુજરાતમાં રાજપૂત સત્તાનો અંત આવ્યો. 26 ફેબ્રુઆરી 1411 ના રોજ સુલતાન અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને ભવ્ય ઈમારતોથી શહેરની શોભા વધારી. ભદ્રનો કિલ્લો , ગાયકવાડની હવેલી, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, ઝકરિયા મસ્જિદ, કુતુબુદીન શાહની મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, રાણી રુપમતિની મસ્જિદ, રાણી સિપ્રિની મસ્જિદ, સીદી સૈયદની જાળી, આઝમખાનનો રોજો, દરિયાખાનનો ઘૂમ્મટ, અહમદશાહની મસ્જિદ વગેરે મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે. મહમદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી તેને બાર દરવાજા મૂક્યા. કુતુબૂદીને બંધાવેલા તળાવ  'હોજે કુતુબ' (કાંકરીયા તળાવ) ની ગણના ભારતના મોટા નગરતળાવોમાં થાય છે. શાહજહાએ બંધાવેલો શાહીબાગ અને મહેલ વિખ્યાત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાળમાં સિક્કાઓ બનતા હતા. દિલ્લી દરવાજા બહારનું હઠીસિંગનું જિનાલય , સરસપૂરનું ચિંતામણિનું દેરું અને ઝવેરીવાડનું પાશ્વનાથનું દેરાસર કલાનો  અદભૂત નમૂનો છે. 
       નગર દેવતા જગન્નાથજીનું ભવ્ય મંદિર છે. અષાઢ સુદ બીજના દિવસે અહીથી ભવ્ય રથયાત્રા નીકળે છે. ઝૂલતા મિનારા, ચંડોળા તળાવ, ગીતામંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, કાંકરીયા બાલવાટિકા અને કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય, પતંગ હોટેલ, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, શાહઆલમનો રોજો, સુંદરવન, સાયન્સ સિટી આઈ-મેક્સ થિયેટર, મોલ વગેરે અમદાવાદનાં જોવાલાયક સ્થળો છે. 
સરખેજ :- 
     અમદાવાદથી નજીક સરખેજ ગામમાં મેહમુદ બેગડા અને તેના શાહજાદાઓની મઝારો છે. નજીકમાં મેહમુદ બેગડાનો રોજો તેમજ સુલતાન અહમદશાહના ગુરુ અહમદશાહ ખટૂગંજબક્ષનો રોજો તથા મસ્જિદ આવેલી છે. 
લાભા :- 
      અમદાવાદનાં લાભામાં બળિયાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. 
ધોળકા :- 
    ધોળકાનું પ્રાચીન નામ  'ધવલ્લક' કે  'ધવલ્લકપૂર' તથા મહાભારત સમયનું નામ 'વિરાટનગર' હતું. અહી મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ  આવેલું છે. પાંડવોની શાળા , ભીમનું રસોડુ, સિદ્ધનાથ મહાદેવ વગેરે પ્રાચીન સ્થળો અહી આવેલા છે. ધોળકા જામફળ અને દાડમની વાડિઓ માટે પણ જાણીતું છે. અહી આવેલું કલિકુંડ જૈન ધર્મીઓનું પ્રસિદ્ધ તીર્થધામ છે. 
વીરમગામ :-  
    વિરમગામમાં મીનળદેવીએ બંધાવેલું  'મુનસર' અને ગંગુ વણઝારાએ બંધાવેલું  'ગંગાસર' તળાવ આવેલું છે. 
નળ સરોવર :- 
       120.82 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલા આ અભ્યારણ્યમાં નવેમ્બરથી માર્ચ માસ દરમિયાન બગલાઓ, પેલિકેન, ફ્લામિંગો, સારસકુંજ, રાજહંસ વગેરે સ્થળાંતરીય પક્ષીઓ પ્રવાસીઓને આકર્ષે છે. નળ સરોવરનું પાણી ચોમાસામાં મીઠું હોય છે પરંતુ શિયાળા અને ઉનાળામાં સરોવરના તળિયાની ખારાશને કારણે પાણી ખારું થઈ જાય છે. નળ સરોવરની ઊંડાઈ લગભગ બે મીટરથી વધુ છે. 
લોથલ :-
     આશરે 4 હજાર વર્ષ પહેલા લોથલ (પ્રાચીન નામ લોથસ્થળ, અર્થ મૃત માનવીનો ટેકરો ) એ સિંધુ સંસ્કૃતિના સમયનું સમૃદ્ધ બંદર હતું. ઈ.સ. 1954 માં ડોં. એસ.આર. રાવના માર્ગદર્શન હેઠળ અહી ખોદકામ કરતાં બંદરનું બારું , નગર, ભઠ્ઠી, ગટરવ્યવસ્થા, હાડપિંજરો, અલંકારો, સ્મશાન, સિક્કાઓ, વાસણો, મૂર્તિઓ વગેરે મળ્યા છે. 
વૌઠા :- 
    વૌઠા ખાતે સાત નદીઓ (સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, શેઢી,અને ખારી નદી) નું સંગમ સ્થાન છે. કાર્તિક પુર્ણિમાએ અહી મોટો મેળો ભરાય છે. આ મેળામાં મોટાપાયે ગધેડાની લે-વેચ થાય છે. 

      આમ, અમદાવાદ જીલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. 
ગુજરાતનાં જિલ્લા  જિલ્લાની માહિતી 
જામનગર જિલ્લાની માહિતી  Click Hare
બનાસકાંઠા જિલ્લાની માહિતી  Click Hare

Post a Comment

1 Comments

HAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE