સાબરકાંઠા જિલ્લો અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વન સમૃદ્ધિ અને વન સંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યના કારણે દૈદીપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો , મેશ્વો નદીના કાંઠે આવેલ તીર્થધામ શામળાજી , ખેડબ્રહ્મા ખાતે આવેલ આધશક્તિ મીની અંબાજીનું મંદિર , વિજયનગરમાં વિરેશ્વર મહાદેવ જેવા યાત્રાધામો આવેલા છે. ઇડરમાં ગઢ સૌંદર્યધામ તરીકે આગવી ઓળખ ધરાવે છે.
જિલ્લાના ગાઢ જંગલોથી આચ્છાદિત વિજયનગર તાલુકાનાં અરવલ્લી પર્વતમાળાઓ વચ્ચે આવેલા અભાપુરના શિલ્પ-સ્થાપત્ય વર્ષોથી પોતાની આગવી અસ્મિતા જાળવીને બેઠા છે. હરણાવ નદીને કાંઠે કેટલાક હિન્દુઓના અને જૈન ધર્મના અંદાજે પાંચસોથી હજાર વર્ષ પુરાણા સ્થાપત્ય, પોળોના જંગલો તરીકે ઓળખાતા શારણેશ્વર મંદિર , શિવ મંદિર પુરાતન કાળનો આભાસ કરાવે છે.
પુરાણમાં બ્રહ્મક્ષેત્રના નામે પ્રખ્યાત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ક્ષેત્રમાંથી પ્રાગઐતિહાસિક યુગ માનવીની 85 વસાહતો, 755 પાષાણ-ઓજારો, 16 પાષાણ સમાધિ જેવા બહુમૂલ્ય પૂર્વકાલીન પુરતાત્વિક ભૌતિક સંપતિ અને ઐતિહાસિક તથ્યો જેવા ભાતીગળ ઈતિહાસ આ જિલ્લો તેના ગર્ભમાં છુપાવીને બેઠો છે.
મોગલો સામેના ધમાસણ યુદ્ધમાં રાણા પ્રતાપ જેવા પ્રતાપી રાજાને આશ્રય સ્થાન આપી , આક્રમણ માટે વળતો પ્રહાર કરવાની શક્તિ પ્રદાન કરનાર આ ધરતીના લોકો તથા વિજયનગર તાલુકાનાં પાલ દઢવાવમાં અંગ્રેજ હકૂમત સામે સ્વતંત્રતા માટે બહાદુરીપૂર્વક લડી શહીદી વહોરનાર આદિવાસી વીરતાનો ઈતિહાસ જે આ ધિંગી ધરાનો પ્રભાવ છે.
સાબરકાંઠા જિલ્લો ખેતી આધારિત વિસ્તાર છે. ખેતી સાથે અનુકૂળ એવા પૂરક વ્યવસાય તરીકે સહકારી ધોરણે પશુપાલન પ્રવૃતિનો શ્રેષ્ઠ વિકાસ થયો છે. જેના થકી શ્વેત ક્રાંતિનો ઉદભવ થયો છે. આણંદ ખાતેના નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ સાથે જોડાયેલી વિશાળ સાબર ડેરીનો વિકાસ થયો છે. આ ડેરી જિલ્લાના લોકો તથા આદિવાસી ગ્રામ્ય ગરીબોના ઉત્કર્ષમાં આશાનું કિરણ બની બહાર આવી છે.
આ જીલ્લામાં ખનીજોના મોટા ભંડાર આવેલા છે. જેથી કવોરી તથા સિરામિક ઉધોગોનો વિકાસ થયો છે. તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જિનનો પણ ઉદભવ થયો છે.
આગવી ઓળખ :-
સાબરકાંઠા જિલ્લો અગાઉ મહીકાંઠા એજંસીનો ભાગ હતો. 1948 માં મહીકાંઠા એવું નામ આપવામાં આવ્યું હતું. આમ છતાં મહી નદી આ જિલ્લામાંથી પસાર થતી ન હોઈ મહીકાંઠા જિલ્લો એ નામ અસંદિગ્ધ હતું. સાબરકાંઠા જિલ્લાની સરહદેથી વહેતી સાબરમતીના નામ પરથી તથા જિલ્લાના સામાજિક કાર્યકરોની ચળવળથી મહીકાંઠા નામ બદલીને સાબરકાંઠા જિલ્લો એમ નામ આપવામાં આવ્યું.
સાબરકાંઠા જિલ્લાની પશ્ચિમે મહેસાણા જિલ્લો છે. તે વખતના મુંબઈ રાજ્યના 29 રજવાડાઓ અને જાગીરો પહેલાના અમદાવાદ જિલ્લાનો પ્રાંતિજ તાલુકો અને મોડાસા મહાલ ભેળવ્યા હોવાથી તારીખ -1 ઓગસ્ટ , 1949 થી સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ભુતપૂર્વ પશ્ચિમ ભારતના દેશી રાજ્યના એજન્સીના સાદરા વિભાગના બીજા રાજ્યો આંબલીયા, મોહનપુરા, માલપુર અને બાયડ ને આ જીલ્લામાં ભેળવી દેવામાં આવ્યા હતા. નવેમ્બર - 1956 માં રાજ્યની પુર્ન રચના થતાં મુંબઈ રાજ્યની વિદર્ભ - મરાઠાવાડા , સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોની સાથે રચના કરવામાં આવી અને સાબરકાંઠા જિલ્લો બૃહદ મુંબઈ રાજ્યનો એક ભાગ બન્યો. છેલ્લે 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની અલગ રચના થયા બાદ રાજ્યનો અભિન્ન હિસ્સો બન્યો.
સાહિત્ય ક્ષેત્રે યોગદાન :-
ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર યુગ કવિ ઉમાશંકર જોશી આ જિલ્લાના પનોતા પુત્ર છે. તથા એવા જ ગુજરાતી સાહિત્યમાં કાંઠું કાઢનાર યાદગાર સાહિત્ય આપનાર પન્નાલાલ પટેલ , અભિનય સમ્રાટ અને રાજકારણ ક્ષેત્રે નામના મેળવનાર ઉપેન્દ્ર ત્રિવેદી તથા અરવિંદ ત્રિવેદી પણ આ જિલ્લાન સપૂતો છે.
લોકજીવન :-
જિલ્લાના કુદરતના ખોળે વસતા વનવાસી આદિજાતિ લોકોની આગવી સંસ્કૃતિ , રિતરિવાજ , આભૂસણો અને ઉત્સવોની નોખી ઓળખ ધરાવે છે. રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તાર તથા આદિજાતિ લોકોના નબળા આર્થિક , સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના ઉત્કર્ષ માટે સંકલિત આદિજાતિ કલ્યાણ યોજના હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી આદિજાતિ લોકો આર્થિક , સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ ડગ માંડી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના મેઘરજ, ભિલોડા, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાઓના બહુધા વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે. અરવલ્લી ગિરિમાળાઓમાં વસવાટ કરતાં આ લોકો સ્વતંત્ર સ્વભાવના, ખમીરવંતા ડુંગરી ભીલો , ભીલ, ગરાસિયા,ડુંગરી ગરાસિયા મુખ્ય જાતિઓમાના છે.
પ્રવાસન :-
સુંદર પર્યટન સ્થળો વિશેષતાઓથી ભરપૂર એવાં આ જીલ્લામાં મહદઅંશે આદિજાતિ વસ્તી ધરાવે છે. જંગલો, નદીઓ, પર્વતો, તળાવ, વિજયનગરની પૌરાણિક પોળ, સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. જિલ્લાની કુદરતી ખોળે વસતા વનવાસી આદિજાતિ લોકોની આગવી સંસ્કૃતિ , રિતરિવાજ , આભૂષણો અને ઉત્સવો ઓળખ ધરાવે છે.
અભાપુર શિલ્પ-સ્થાપત્યો :-
સાબરકાંઠા જિલ્લાના ગાઢ જંગલોથી આચ્છાદિત વિજયનગર તાલુકામાં પર્વતોની હારમાળા વચ્ચે આભાપુરના શિલ્પ-સ્થાપત્યો વર્ષોથી પોતાની આગવી અસ્મિતા જાળવીને બેઠા છે. પ્રત્યેક ગુજરાતીએ આ સ્થાપત્યોના વૈભવ અને વારસાથી અવગત થવું જ પડે તેવા પ્રાચીન સ્થાપત્યોની મિસાલ સમાન છે.
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં હરણાવ નદીને કાંઠે કેટલાક ઐતિહાસિક સ્મારકો અડીખમ ઉભેલા છે. પુરાતત્વ ખાતાએ પણ અભ્યાસે એ હકીકત પ્રતિપાદિત કરી છે કે , આ ભવ્ય સ્મારકો હિન્દુ અને જૈન ધર્મના છે. અંદાજે પાંચસોથી હજાર વર્ષ પુરાણા છે. આ સ્મારકોની આજુબાજુનું વાતાવરણ પર્વત, નદી અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ વચ્ચે નિર્માણ થયેલું હોઈ, તેની ભવ્યતા પુરતાત્વિય કાળમાં કેવી હશે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. અત્રે જૈન મંદિરના ભગ્ન અવશેષો પાસે વૃક્ષ પરથી પાંદડું નીચે પડે તો તેનો સંગીતમાં અવાજ સંભળાય તેવી નીરવ શાંતિનો અહેસાસ કરાવે તેવી પ્રકૃતિની ભરમાર છે.
પ્રાચીન સમયમાં અભાપુરના આ શિલ્પ - સ્થાપત્યો પોળોના જંગલ તરીકે ઓળખાતા. અભાપુર મુકામે શારણેશ્વર મંદિર, શિવશક્તિ મંદિર, કુંડ ત્રણ જૈન મદિરો છે. ઈડરથી ઈશાન ખૂણામાં ખેડબ્રહ્મા - અંબાજી માર્ગ ઉપર હરણાવ નદીના કાંઠાથી શરૂ કરીને પોળોની પ્રસિદ્ધ ડુંગરની ધારીમાં દસ કિ.મી. સુધીમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે.
અહી પ્રાચીન સમયમાં એક આખી નગરી સંતાયેલી હશે એમ માનવું જ રહ્યું. ભૂતકાળમાં ઇડરમાં મોગલ સામ્રાજ્યના કારણે જૈન અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવામાં આવા સ્થાપત્યો અસ્ત થયા હશે. અભાપુરના સ્મારકો નજરોનજર જોઈએ તો , ક્યાક એકલ દોકલ તો ક્યાક સમૂહમાં પથરાયેલા છે. લખેણા જૈન મંદિરથી ઓળખાતા ત્રણ જૈન મંદિરો જોતાં તે વિશાળ વ્યાપ ધરાવતા પશ્ચિમાભિમુખ છે. આ મંદિરો એચએએલ ખંડિત હોવા છતાં ગર્ભગૃહ , અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, પ્રવેશદ્વાર, ત્રિકમંડપ જેવા અંગોથી સુશોભિત છે. એમાં પણ ગર્ભગૃહની ઝરૂખાની રચનાનું વિશેષ આકર્ષણ તેની પથ્થરની જાળીઓ છે, જેમાં મોગલ કાળના સ્થાપત્યની ઝાંખી થાય છે.
નાના અંબાજી, ખેડબ્રહ્મા :-
અરવલ્લી ગિરિકંદરાઓ વચ્ચે ઘેરાયેલો આ સાબરકાંઠા જિલ્લો એક વાર અવશ્ય નિરખવા જેવો છે. અહી ખેડબ્રહ્મા ખાતે મા અંબાજીનું મંદિર આવેલું છે. આ સ્થાન ષટકોણ ક્ષેત્ર મુજબ પ્રસ્થાપિત થયેલું છે. આ સ્થાનની ચારેય દિશાઓમાં ધર્મસ્થાનો આવેલા છે. પૂર્વ દિશામાં શંખેશ્વર મહાદેવ, દક્ષિણ દિશામાં ક્ષીરજંબા માતા તથા બ્રહ્માજીના મંદિરો , પશ્ચિમે ચામુંડા માતા તથા કોટેશ્વર મહાદેવના મંદિરો છે. માતાજીનું મંદિર ખેડબ્રહ્મા ખાતે ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ યંત્રાકરે છે. પીઠ ઉપર પ્રાચીન યંત્ર ગોઠવેલું છે. યંત્રનાં સ્વરૂપે માતાજી તેજ સ્વરૂપે છે. પાછળ ગોખ છે ત્યાં માતાજી બિરાજે છે.

2 Comments
good post
ReplyDeleteGood post saras work
ReplyDeleteHAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE