બનાસકાંઠા જિલ્લાના જોવાલાયક સ્થળો

 મિત્રો આજે આપણે બનાસકાંઠા જીલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી મેળવીશું. બનાસકાંઠા જીલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે જેમાંથી આપણે થોડાક સ્થળોની માહિતી પ્રાપ્ત કરીશું. 
જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર :- 


       કરોડો માઈભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે. અરવલ્લીના ડુંગરાઓમાં પ્રકૃતિના સૌંદર્યમાં બિરાજતા આધશક્તિ મા અંબાનું સ્થાનક અંબાજી બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની નહીં , પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. દેશ , વિદેશના શક્તિપીઠોમાં અંબાજી મંદિર હદય સમાન છે. દેવી સતીના હદયનો ભાગ અંબાજીમાં પડ્યો હોવાનું અને માતાજી પ્રગટ થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સીતાજીને શોધતા ભગવાન શ્રીરામ લક્ષ્મણ પણ અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોચ્યા ત્યારે ઋષિએ તેઓને માતાજીનાં દર્શનાર્થે ગબ્બર પર્વત પરના સ્થાનકે મોકલ્યા હતા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ ભક્તિભાવપૂર્વક માતાજીની પુજા અર્ચના કરી ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને રાવણનો નાશ કરવા ભગવાન રામને અજયબાણ આપ્યું હતું અને એજ બાણથી રાવણનો વધ થયો હોવાનું મનાય છે. 
          ભગવાન શ્રીકૃષ્ણ ચૌલકર્મ પણ અંબાજી મુકામે થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. વનવાસ દરમિયાન પાંડવોએ પણ અંબાજી વિસ્તારમાં તપ કર્યાનું મનાય છે. અંબાજી તીર્થધામ પ્રાચીન સમયથી હોવાનું જણાય છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન અંબાજીથી પશ્ચિમ દિશામાં ત્રણ કિ.મી. ના અંતરે આવેલ ગબ્બર પર્વત ઉપર મનાય છે. અંબાજીમાં હાલ માતાજીનું જૂનું મંદિર છે તે બારસો વર્ષ પુરાણું છે. વર્ષે 1.25 કરોડથી વધુ યાત્રિકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં સુદ આઠમથી પુનમ સુધી અહી ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં પદયાત્રા દ્વારા ચાલતા અંબાજી જવાનો મહિમા હોવાથી માઈભક્તો દૂર દૂરથી ચાલતા અંબાજી જાય છે. 
       અંબાજીમાં ગબ્બર પર્વત , કુંભારિયાના જૈન દેરાસર , પ્રાચીન તપોભૂમિ કોટેશ્વર , કૈલાસ ટેકરી, માંગલ્યવન, માન સરોવર, કામાક્ષી મંદિર જેવા પવિત્ર સ્થાનો જોવાલાયક છે. 
કુંભારિયા જૈન દેરાસર અંબાજી :- 
          અંબાજીથી બે ત્રણ કિમીના અંતરે આવેલ કુંભારિયા જૈન દેરાસરમાં ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીર સ્વામી, ભગવાન પાશ્વનાથ, ભગવાન શાંતિનાથ અને ભગવાન સંભવનાથના પાંચ દેરાસરોના સમૂહ ધરાવતા મંદિર છે. આ માટે એવી દંતકથા છે કે, ભીમદેવ સોલંકીના સમયમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમલશાહે પોતે બધે વિજય અને સફળતા મેળવ્યા પછી તેની યાદ કાયમી કરવા સફેદ આરસના સુંદર દેરાસરોનો સમૂહ બાંધવાનો વિચાર કર્યો અને તે માટે ચિતોડના રાણા કુંભાજીએ આરાસુરમાં માતાજીનાં મંદિર નજીક વસાવેલ કુંભારિયા ગામની જગ્યા પસંદ કરી. વિમળશાની પત્ની સુમંગલા અંબાજી માતાજીનાં પરમ ભક્ત હોઇ આ કામમાં માતાજીની કૃપા માટે તેઓએ પ્રાર્થના કરી. એક દિવસ માતાજીએ સ્વપ્નમાં આવી કહ્યું કે તારી બધી ઈચ્છા પૂરી થશે, નાણાની ખોટ નહીં પડે. વિમળશાએ સફેદ આરસના સુંદર કલા કૃતિવાળા 360 જૈન દેરાસરો બંધાવ્યા. કામગીરી પૂર્ણ થતાં વિમળશા હર્ષવિભોર બની ગયા ત્યારે બાલિકા સ્વરૂપે માતાજીએ તેમની પાસે જઇ પુછ્યું કે કોની કૃપાથી મંદિરો બનાવ્યા....? વિમળશા માતાજીને ઓળખી શક્યા નહીં અને બોલ્યા મારા ધર્મગુરુના પ્રતાપે. માતાજીએ ફરી ફરી પૂછતા આ જ જવાબ મળતા માતાજી ક્રોધિત થયા અને વિમળશાને કહ્યું વિમળ હવે તમે અહી ના રોકાશો , નાસી છૂટો વિમળશા. એટલે તેઓ નાસીને આબુ જતાં રહ્યા. ત્યાં ભયાનક આગે દેખા દીધી અને પાંચ દેરાસરો સિવાયના બાકીના નષ્ટ થઈ ગયા. અહી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મશાળા, ભોજનશાળા તેમજ પૂજાવિધિ માટે વ્યવસ્થા છે. 
શ્રી અમીઝરા પ્રાશ્વનાથ જૈન તીર્થ મંદિર ડુવા, તા. થરાદ :- 
            થરાદ અને ધાનેરા નજીક આવેલ ડુવા તીર્થનો ઈતિહાસ ભવ્ય છે. પ્રસિદ્ધ જૈન આચાર્યશ્રી બપ્પભટ્ટીસુરિજીનો જન્મ આ જ ડુવા નગરીમાં સવંત 807 મા થયો હતો. ગુરુધામ બનેલું ડુવા તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું છે. જૈન તીર્થ સંગ્રહના ઉલ્લેખ મુજબ ડુવાનું જિનાલય 2000 વર્ષથી વધુ પ્રાચીન ગણી શકાય. આ નગરીમાં કોઈ પ્રાચીન નગરી હોય તેવું માનવા પ્રેરતા અનેક પુરાવા આજે પણ ઉપલબ્ધ છે. આ તીર્થમા ભવ્ય મંદિર ઉપરાંત જ્ઞાનમંદિર , આરાધના ભવન , અધતન ધર્મશાળા, ભોજનશાળા છે. ધાનેરાથી 14 કી.મી. તથા થરાદથી વાયા અછવાડાથી 35 કિમી ના અંતરે આ તીર્થધામ આવેલું છે. 
પ્રાકૃતિક ધામ - બાલારામ :- 
          ગુજરાતનાં કશ્મીર તરીકે ઓળખાતું બાલારામ રમણીય સૌંદર્યધામ છે. પાલનપુરથી 15 કિમીના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતું આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ગીચ જંગલમાં ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે ભૂલી ગયેલી માતા જ્યારે ઘણા દિવસો પછી પાછાં ફરતા પોતાનું બાળક હેમખેમ મળતા આ સ્થળ બાલારામ તરીકે પ્રસિદ્ધ થયું. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે સતત શિવલિંગ ઉપર જળાભિષેક કરી રહ્યું છે. અહી પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. 
ધરણીધર ભગવાન ઢીમા , તા. વાવ :- 
        વાવ તાલુકાનાં ઢીમા ગામે ધરણીધર ભગવાનનું પ્રાચીન મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરમાં પ્રસ્થાપિત ધરણીધર ભગવાન વિષ્ણુની મુર્તિ રાજસ્થાનના અરવલ્લીની પર્વતમાળામાંથી મળી આવી હતી. પ્રતિવર્ષ ભાદરવા સુદ - ૧૧ ના દિવસે મંદિરની બાજુમાં આવેલા તળાવમાં હજારો લોકો સ્નાન કરી ભગવાનની પુજા કરે છે. દર પૂનમે અહી મેળો ભરાય છે. ધરણીધર ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૭૭ ના જયેષ્ઠ સુદ ૧૧ નિર્જલા એકાદશીને મંગળવારના રોજ સેવક ગદાધર દલપતરામના હસ્તે થઈ હતી. ટે દિવસ ભગવાનનો પાટોત્સવ દિવસ ગણી મોટો મેળો ભરાય છે. 
કટાવધામ :- 
       ભાભરથી ૧૨ કિમીના અંતરે આવેલ આ ધામમાં રાઘવેન્દ્ર ભગવાનનું મુખ્ય મંદિર પ્રાચીન છે. બાજુમાં સદગુરુ મંદિરમાં ખાખીજી મહારાજની ચાખડીઓ , તુલસીની હજારીની માળા તથા સીતારામ મહારાજની પ્રતિમા છે. પૂજ્ય શ્રી ખાખીજી મહારાજ આંબલીએ જટા બાંધીને રાત્રે ભજન કરતાં અને આંબલીને વધવા ન દેતા તે દંતકથાની બાળ સ્વરૂપે એ આંબલી હાલ હયાત છે. પોષ સુદ પુનમથી ત્રીજ સુધી અને ચૈત્ર માસમાં રામનવમીથી તેરસ સુધી મોટો ઉત્સવ થાય છે.  
      આમ, બનાસકાંઠા જીલ્લામાં આવા અનેક સ્થળો જોવાલાયક અને માણવાલાયક છે. 
 


  

Post a Comment

1 Comments

HAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE