મિત્રો આજ આપણે આણંદ જિલ્લાના જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવીશું. આણંદ જીલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. આણંદ જિલ્લો એ ગુજરાતમાં એક મહત્વનુ સ્થાન ધરાવે છે.
આણંદ જિલ્લાનું મુખ્ય મથક આણંદ છે. આણંદ જિલ્લાની રચના 2 ઓક્ટોબર , 1997 ના રોજ ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લાનું સ્થાન અને આણંદ જિલ્લાને સ્પર્શતા જિલ્લાઓની સીમા :-
આણંદ જિલ્લાની ઉત્તરે ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જિલ્લો, દક્ષિણમાં ખંભાતનો અખાત અને ભરુચ જિલ્લો તથા પશ્ચિમમાં અમદાવાદ જિલ્લાની સીમા સ્પર્શે છે.
આણંદ જિલ્લાના તાલુકાઓ :-
આણંદ જીલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે. જે નીચે પ્રમાણે છે.
- આણંદ
- બોરસદ
- ખંભાત
- પેટલાદ
- સોજીત્રા
- ઉમરેઠ
- તારાપુર
- આંકલાવ
- ગુજરાતની સૌપ્રથમ એંજિનિયરિંગ કોલેજ વલ્લભવિધાનગરમાં શરૂ થઈ હતી.
- એશિયા ખંડની સૌથી મોટી 'અમુલ ડેરી' આણંદમાં છે.
- વાસદની 'તુવેર દાળ' અને ઉમરેઠના 'અસ્ત્રા' જાણીતા છે.
- ખંભાતમાં અકીક ને પૉલિશ કરવાનો ઉધોગ વિકસ્યો છે.
- ખંભાત સૂતરફેણી , હલવાસન અને તાળા માટે પ્રસિદ્ધ છે.
- ગુજરાતમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઇ આણંદ અને ખેડા જીલ્લામાં થાય છે.
1. સાબરમતી નદી - જે આણંદ અને અમદાવાદ જિલ્લાની સરહદ બનાવે છે. 2. મહી નદી - જે આણંદ અને વડોદરા જિલ્લાની સરહદ બનાવે છે. 3. શેઢી નદી .
જોવાલાયક સ્થળો :-
આણંદ :-
આણંદ જિલ્લાનું મુખ્ય મથક છે. આનંદગીરી ગોસાઈએ નવમી સદીમાં આ શહેર વસાવ્યું હતું. અહી 14 ડિસેમ્બર 1946 ના રોજ સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી એશિયાની મોટામાં મોટી ડેરી 'અમુલ ડેરી' છે. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેંટ (ઇરમા) નું મુખ્ય મથક અહી આવેલું છે.
વલ્લભવિધાનગર :-
વલ્લભવિધાનગરમાં સરદાર પટેલની દ્રષ્ટિ અને શ્રી ભાઈલાલ પટેલની વ્યવસ્થાશક્તિના સુભગ સમન્વયરૂપે ઊભું થયેલું વિધાધામ છે. અહી અનેક કોલેજો અને સંશોધન સંસ્થાઓ છે. ગુજરાતમાં સૌપ્રથમ એંજિનિયરિંગ કોલેજ અહી સ્થપાઈ હતી. આ શહેર વિધાનગરી તરીકે જાણીતું છે.
બોરસદ :-
બોરસદમાં મહાકાલેશ્વરનું શિવાલય , ફૂલમાતા , બહુચરાજી, તોરણમાતા તથા નારાયણ દેવના મંદિરો આવેલા છે.
કરમસદ :-
આ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન અને કર્મભૂમિ છે. અહી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આવેલી છે.
ખંભાત :-
આ પૌરાણિક ઐતિહાસિક નગર પ્રાચીન સમયમાં સ્તંભતીર્થ કે સ્તંભપુર તરીકે ઓળખાતું એક સમૃદ્ધ બંદર હતું. અહીની જુમ્મા મસ્જિદ ભવ્ય કોતરણીવાળી છે. ખંભાત અકીકના ઉધોગ માટે જાણીતું છે. ખંભાતથી 5 કિમી દૂર વહોરાઓનું મોટું યાત્રાધામ કાકાની કબર આવેલી છે. ખંભાતના સંગ્રહાલયમાં પ્રાચીન હસ્તપ્રતો છે. જૂના ખંડેરો ધરાવતું જર્જરિત નગર 'નગરા' ખંભાત નજીક આવેલું છે.
લૂણેજ :-
ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ. 1958 માં ખનીજ તેલ અહીથી મળી આવ્યું હતું. અહી ગેસનો મોટો ભંડાર આવેલો છે. આ ગેસ ધુવારણના તાપવિધુતમથકને પૂરો પાડવામાં આવે છે.
ધુવારણ :-
આ ગુજરાતનાં સૌથી મોટા તાપવિધુતમથક (થર્મલ પાવર સ્ટેશન) આ કારણે પ્રસિદ્ધ છે.
સારસા :-
સારસાનું 'સતકેવલ મંદિર' પ્રસિદ્ધ છે.
ખંભોળજ :- ખંભોળજમાં ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન 'નિરાધારોની માતા' અને આરોગ્ય માતાનું ધામ છે.
બોચાસણ :-
બોચાસણનું નામ બુચેશ્વર મહાદેવ પરથી પડ્યું છે. બોચાસણ સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષર પુરુષોતમ સંસ્થાનું મુખ્ય મથક છે.
ઉમરેઠ :-
અગાઉના સમયમાં ઉમરેઠ જૈન સંસ્કૃતિનું તીર્થધામ ગણાતું હતું. આ નગર અપાર જાહોજલાલીવાળું હતું.
અડાસ :-
આ ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું છે. 18 ઓગસ્ટ , 1942 ના રોજ બ્રિટિશ સરકારની પોલીસના ગોળીબારથી પાંચ નિર્દોષ યુવાનો શહીદ થયા હતા. તેમનો સ્મૃતિસ્તંભ અહી આવેલો છે.
આમ , આણંદ જીલ્લામાં અનેક દર્શનીય સ્થળો આવેલા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં જ્ઞાનવાળી વાવ આવેલી છે. આણંદમાં વેરાઈ માતાનું તળાવ, ખંભાતમાં નારેશ્વર તળાવ આવેલું છે.

2 Comments
Good post
ReplyDeleteGood
ReplyDeleteHAMARI POST ACHHI LAGI HO TO COMMENT KARE